ડાઇનિંગ ટેબલની સજાવટ એવી રીતે કરો કે અતિથિઓ તો ઠીક, પરિવારજનોને પણ તે જોઇને ભૂખ ઊઘડી જાય
આપણે કોઈ મહેમાન આવવાના હોય કે પછી નાનું એવું ગેટ-ટુગેધર રાખ્યું હોય ત્યારે તો ઘરની સજાવટ સુંદર રીતે કરતાં હોઈએ છીએ કે જેથી અાવનાર પ્રશંસા કર્યા વિના ન રહે. જોકે, ઘણી વાર ડાઇનિંગ ટેબલની સજાવટ કરવામાં એવી ગરબડ થઈ જાય છે કે બીજી કરેલી તમામ તૈયારીઓ પર પાણી ફરી વળે છે. ડાઇનિંગ ટેબલની સજાવટ માત્ર અતિથિઓ આવવાના હોય ત્યારે જ નહીં, પણ તમારે જમવાનું હોય તો પણ એવી રીતે કરવી જોઈએ કે જોતાંની સાથે જ ભૂખ ઊઘડી જાય.
તમે ઇચ્છો તો ડાઇનિંગ ટેબલ પર ટેબલ ક્લોથ પાથરી શકો અથવા તો ડાઇનિંગ ટેબલ પર કંઈ પણ પાથર્યા વિના જ એવી રીતે પ્લેટ અને ગ્લાસીસ ગોઠવો કે અતિથિ જોયા જ કરે. જો તમે ટેબલ મેટનો ઉપયોગ કરતાં હો, તો પહેલાં ટેબલ મેટ પાથરી તેના પર પ્લેટ ગોઠવો. તેની અંદર સુંદર રીતે ફોલ્ડ કરેલો નેપ્કિન ગોઠવો. નેપ્કિન એવી રીતે ફોલ્ડ કરેલો હોય કે જોનારના મોંમાંથી વાહ નીકળ્યા વિના ન રહે.
ડાઇનિંગ ટેબલ પર તમારે ટેબલક્લોથ પાથર્યા વિના સજાવટ કરવી હોય તો તમે આખા ટેબલ પર લંબાઈમાં એક પહોળો પટ્ટો ટેબલક્લોથનો પાથરો. તેના પર તમને ગમતા અથવા ઓફિસ ફ્લાવર્સના નાના નાના ફ્લાવર પોટ્સ સીધી લાઇનમાં મૂકી શકો છો. આ ફ્લાવર પોટ્સ ડાઇનિંગ ટેબલના રંગ સાથે મેળ ખાતા હોવા જોઈએ. એમ તો તમે ઇચ્છો તો વચ્ચેના ભાગમાં પાથરેલા ટેબલક્લોથ પર નાનકડા ફ્લાવરવાઝની સાથે કેન્ડલ્સ અને કેન્ડલ સ્ટેન્ડ પણ ગોઠવી શકો. એમાંય જો રાતનો સમય હોય તો આ કેન્ડલ્સને પ્રગટાવી બાકીની લાઇટ્સ બંધ કરી દો તો હોટલમાં કેન્ડલ લાઇટ ડિનર માટે જવાની ઇચ્છા જ નહીં થાય.
અલબત્ત, ડાઇનિંગ ટેબલની સજાવટ કરવામાં પણ એક મેનરની જરૂર છે. તે અનુસાર, મોટી પ્લેટમાં નાની પ્લેટ ગોઠવો અથવા તેની સહેજ ઉપરની તરફ નાની પ્લેટ ગોઠવો. મોટી પ્લેટની ડાબી બાજુએ કાંટો અને જમણી બાજુએ ચમચો અને છરી ગોઠવો. પાણી અથવા કોલ્ડ્રિંક માટેના ગ્લાસ મોટી પ્લેટની ડાબી તરફ રાખેલા હોવા જોઈએ. જો તમે મેનુમાં સૂપનો સમાવેશ કર્યો હોય તો સૂપના બાઉલ મોટી પ્લેટમાં પણ ગોઠવી શકો છો.
અત્યારે વેડિંગ સિઝન ચાલી રહી છે એટલે આવનારા ઘણા મહેમાનો જમીને જ જવાના હોય. આવા સંજોગોમાં તમે લાંબા ડાઇનિંગ ટેબલ પર નાના નાના ટેડીબેયર ગોઠવી તેની બાજુમાં બોન્સાઈ અને આર્ટિફિશિયલ કેન્ડલ્સ પણ ગોઠવી શકો છો. આ રીતે કરેલી સજાવટ અતિથિઓનું મન અવશ્ય મોહી લેશે.
By : Divya Bhaskar
No comments:
Post a Comment