પ્રતીક્ષા,અમ્મુ,જલસા, મનસા અને જનક એમ પાંચેય વિશાળ અને આધુનિક બંગલો જૂહુ-વિલેપાર્લે ડેવલપમેન્ટ સ્કિમમાં આવેલા છે: પ્રતીક્ષા એટલે બીગ બીનું મુંબઇનું પહેલું અને લોકપ્રિય સરનામું : જલસામાં બોલીવુડનો શહેનશાહ જલસાથી રહે છે: જનકમાં ઓફિસ છે જ્યારે અમ્મુ બંગલોમાં અભિષેક,ઐશ્વર્યા અને તેમની દીકરી આરાધ્યા રહે છે
હોલીવુડનાં અમુક અભિનેતા અને અભિનેત્રીઓ પાસે એટલી સંપત્તિ છે કે તેઓ વિશાળ અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ટાપુઓનાં માલિક છે.ઉદાહરણરૃપે હોલીવુડના આલા દરજ્જાના એક્ટર માર્લોન બ્રાન્ડો પાસે તાહીતી(ફ્રાંસ)માં તેતીઆરો નામનો વિશાળ-સુંદર ટાપુ હતો.બીજીબાજ બોલીવુડના બીગ બી એટલે કે અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર પણ મુંબઇમાં પાંચ વિશાળ- વૈભવી બંગલોના માલિક હોવાના અહેવાલ જાણવા મળે છે.
એમ કહો કે આ પાંચેય બંગલો જાણે કે વિશાળ ટાપુ હોય તેવું મનોહર દ્રશ્ય સર્જાય છે.આ પાંચેય બંગલો માયાનગરી મુંબઇના જૂહુ અને વિલેપાર્લે જેવા સમૃદ્ધ અને વિકસીત વિસ્તારમાં આવેલા છે.આમ તો આ વિસ્તારને જૂહુ એન્ડ વિલેપાર્લે ડેવલપમેન્ટ સ્કિમ(જે.વી.ડી.પી.) કહેવાય છે અને અહીં ઘણા અમીર બિઝનેસમેનો તથા બોલીવુડની જાણીતાં કલાકારોે પણ રહે છે.
બોલીવુડના આ સન્માનનીય પરિવારમાં મહાનાયક અમિતાભ બચ્ચન,જયા બચ્ચન,અભિષેક બચ્ચન,ઐશ્વર્યા બચ્ચન અને તેની નાનકડી દીકરી આરાધ્યા વગેરેનો સમાવેશ થાય છે.વળી,બચ્ચન પરિવારના પાંચ વૈભવી બંગલો એટલે પ્રતીક્ષા,જલસા,જનક,અમ્મુ અને મનસા.
બોલીવુડનાં સૂત્રોના કહેવા મુજબ આ પાંચ બંગલોેમાંના ત્રણ બંગલો વચ્ચે તો માત્ર દિવાલ જ હોવાથી એકબીજાની બહુ નજીક છે. જોકે પ્રતીક્ષા થોડે દૂર છે પણ આવી વ્યવસ્થાથી જ એમ કહેવાય છે કે મુંબઇમાં બચ્ચન પરિવાર પોતાના એક વિશાળ ટાપુ પર રહે છે.આશ્ચર્યની બાબત તો એ છે કે અમિતાભ બચ્ચનનાં અને તેમના કુટુંબનાં અનેક ચાહકો દરરોજ આમાંના લગભગ બધા બંગલો નજીક ભેગાં થતાં હોય છે.
આવો, આપણે પણ બચ્ચન પરિવારના આ પાંચેય વૈભવી અને આધુનિક સુવિધાઓ ધરાવતા પાંચેય બંગલો વિશે મજેદાર માહિતી મેળવીએ.
- પ્રતીક્ષા : પ્રતીક્ષા એટલે બોલીવુડના બીગ બી નું મુંબઇનું પહેલું અને લોકપ્રિય સરનામું. ઝંજીર, દિવાર, ત્રિશુલ, પરવરીશ, નસીબ, અમર અકબર એન્થની, મુક્કદર કા સિકંદર, મોહબ્બતેં, કભી કભી થી લઇને અગ્નિપથ વગેરે જેવી સુપરડુપર હીટ ફિલ્મોની ઝળહળતી સફળતાનો આ બંગલો સાક્ષી છે.
જૂહુના ૧૦ મા રસ્તા પર આવેલો પ્રતીક્ષા બંગલો ખરેખર તો અમિતાભ બચ્ચન માટે જબરો શુકનિયાળ નિવડયો છે.વળી,આ જ પ્રતીક્ષામાં અમિતાભ બચ્ચનનાં માતાપિતા હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચન વરસો સુધી રહ્યાં હતાં.આ જ કારણસર માતાપિતાની અમર અને વહાલસોયી સ્મૃતિ અખંડ રાખવા માટે અમિતાભ બચ્ચનને પ્રતીક્ષા બંગલો પ્રત્યે બેહદ લગાવ છે.
જોકે એક તબક્કે આ જ પ્રતીક્ષા બંગલો વેચાઇ જાય તેવી ચિંતાજનક પરિસ્થિતિ પણ સર્જાઇ હતી. નેવુંના દાયકામાં અમિતાભ બચ્ચને ફિલ્મ નિર્માણ માટે પોતાની એ.બી.સી.એલ.કંપની શરૃકરી હતી. ગમે તે થયું કંપની પર ભારે મોટો આર્થિક બોજો આવી જતાં અમિતાભ બચ્ચનઘેરી મુંઝવણમાં આવી ગયા હતા.જોકે સખત મહેનતુ અને પરીશ્રમી ગણાતા અમિતાભ બચ્ચને કંપની પરનો બધો આર્થિક બોજો -દેવું સમાપ્ત કરી દઇને પ્રતીક્ષા બંગલો બચાવી લીધો હતો.
બોલીવુડનાં સૂત્રોના કહેવામુજબ અમિતાભ બચ્ચન હાલ તેમના જલસા બંગલોેમાં રહે છે.આમ છતાં બીગ બીનાં મન-હૃદયમાં પ્રતીક્ષા માટે ખાસ લાગણી છે.અમિતાભ બચ્ચન દરરોજ વહેલી સવારે ફરવા અને થોડી હળવી કસરત કરવા જાય છે પરંતુ આ બંને નિત્યક્રમ બાદ તે અચૂક પ્રતીક્ષામાં જાય છે.અહીં તેમનો એક ખાસ રૃમ છે જ્યાં થોડો સમય પસાર કર્યા બાદ જલસામાં જાય છે.સાથોસાથ, બચ્ચન પરિવારનાં અન્ય સભ્યો પણ દરરોજ આ બંગલોમાં જરૃર આવે છે કારણ કે તેમના માટે પ્રતીક્ષા મંદિર છે. આ બંગલોમાં તેમનાં દાદા-દાદીની મીઠી મધુરી સ્મૃતિઓછે.
- અમ્મુ : આ વિશાળ અને આધુનિક સુવિધાવાળો બંગલો જલસા બંગલોની નજીકમાં જ છે.અમ્મુ બંગલો જાણે કોઇ ઉદ્યાનમાં હોય તેમ તેની ફરતે ઊંચાં-લીલાંછમ વૃક્ષો છે.જોકે બંગલોમાં ઓછી ઉંચાઇવાળી દિવાલ પણ છે.અમ્મુ બંગલોનો ગ્રાઉન્ડ ફ્લોર કોઇ બેન્કને ભાડે આપ્યો હોવાનું પણ જાણવા મળે છે.જોકે બંગલોના ઉપરના માળે અભિષેક,ઐશ્વર્યા અને આરાધ્યા અવારનવાર આવીને રહે છે.
- જલસા : જલસા બંગલો એટલે બીગ બી નું હાલનું સરનામું.એટલે કે હાલ અમિતાભ બચ્ચન આ જલસામાં રહે છે.મજાની બાબત તો એ છે કે દર રવિવારે સાંજે પાંચ વાગે જલસા સામે અમિતાભ બચ્ચનનાં અસંખ્ય ચાહકો ભેગાં થાય છે. બોલીવુડનો મહાનાયક જલસામાંથી બહાર આવીને પેલાં તમામ ચાહકો અને પ્રેમીઓનું અભિવાદન કરે છે.
તેમને નમસ્તે પણ કરે છે.ખાસ કરીને અમિતાભ બચ્ચનના જન્મ દિને -૧૧,ડિસેમ્બર-૧૯૪૨- આ જ જલસા પાસે ભારતભરમાંથી તેમનાં અસંખ્ય ચાકો અને પ્રેમીઓ ઉમટી પડે છે.પોતાના મહાનાયકને જાતજાતની અને આકર્ષક ભેટ,પુષ્પગૂચ્છઅર્પણ કરે છે. તો વળી કેટલાંક ચિત્રકારો તો જાતે દોરેલાં અમિતાભનાં વિશાળ કદનાં ચિત્રો પણ ભેટરૃપે આપે છે.
જલસા બંગલો મુંબઇની પ્રસિદ્ધ જેડબલ્યુ મેરિયટ હોટેલ સામે છે.અમિતાભ બચ્ચન દરરોજ વહેલી સવારે પાંચ વાગે જલસામાંથી નીકળીને આ જ હોટેલના જિમ્નેશ્યમમાં કસરત કરવા જતા હોવાની વાતો પણ જાણવા મળે છે.
એક ખાસ બાબત.જલસા બંગલોનું સાચું નામ ખરેખર તો મનસા હતું.જોકે કોઇ વાસ્તુ નિષ્ણાતની સલાહથી અમિતાભે મનસાનું નામ બદલીને જલસા રાખ્યું હોવાનું પણ જાણવા મળે છે.વળી,અમિતાભે જલસા બંગલો લગભગ ૧૯૮૨માં લીધો હોવાની વાતો પણ જાણવા મળે છે.વાત એમ બની હતી કે તે સમયે અમિતાભ નિર્માતા-દિગ્દર્શક એન.સી.સિપ્પીની સત્તે પે સત્તા ફિલ્મમાં કામ કરતા હતા.અમિતાભે પોતાની ફી ની રકમના બદલામાં આ સુંદર-વિશાળ બંગલો એન.સી.સિપ્પી પાસેથી લીધો હતો.
એક વાત એવી પણ છે કે આ જ જલસા બંગલોમાં એક તબક્કે અમિતાભનો નાનો ભાઇ અજિતાભ તેની પત્ની રમોલા અને દીકરીઓ સાથે રહેતો હતો.તે સમયે અમિતાભ સપરિવારપ્રતીક્ષામાં રહેતા હતા.જોકે સમય જતાં અજિતાભ જલસા ખાલી કરીને અન્ય જગ્યાએ રહેવા ગયો હતો.ખરેખર તો અમિતાભે જલસા બંગલો અમુક રકમે વેચી દીધો હતો.જોકે બન્યું એવું કે જયા બચ્ચનને જલસા પ્રત્યે ઊંડી લાગણી હોવાથી તેણે અમિતાભને જલસા બંગલો ગમે તેમ કરીને ફરીથી ખરીદી લેવા સમજાવ્યા.અમિતાભે પત્નીની લાગણીને સંપૂર્ણ સન્માન આપીને અને બમણા રૃપિયા આપીને જલસા ફરીથી લઇ લીધો.
- મનસા : મનસા બંગલો બરાબર જલસા બંગલોની પાછળ છે.બચ્ચન કુટુંબે બહુ થોડા સમય પહેલાં ખરીદ્યો હોવાનું જાણવા મળે છે.આમ તો મનસા બોલીવુડના એક ફાઇનાન્સરની માલીકીનો હતો. બીગ બીને મનસા બહુ ગમી ગયો એટલે પેલા ફાઇનાન્સરે રાજી થઇને તેમને વેચી દીધો.બોલીવુડનાં સૂત્રોના કહેવા મુજબ આ જ મનસાની લીલીછમ લોનમાં અમિતાભ બચ્ચનદિવાળી અને હોળીના તહેવારો નિમિત્તે મિત્રો-મહેમાનોને આમંત્રણ આપે છે.જોકે આમ તો આ હરિયાળી લોનમાં દરરોજ અમિતાભની પૌત્રી આરાધ્યા દોડાદોડી કરતી હોય છે. જુદી જુદી રમત રમતી હોય છે.
- જનક : જનક એટલે અમિતાભ બચ્ચનની ઓફિસ. આ જ ઓફિસમાં તેમનો સ્ટાફ પણ બેસે છે. વળી,અમિતાભ બચ્ચન અને તેમનાં પરિવારજનો પત્રકારો સાથે પણ આ જ જનક બંગલોમાં વાતચીત કરે છે. એટલે જનકની ઓફિસમાં જવું હોય ત્યારે અમિતાભ તેમના નિવાસસ્થાન જલસામાંથી મનસામાં થઇને જનકમાં જાય છે.જોકે આ આખો રસ્તો તેમના માટે સંપૂર્ણ ખાનગી છે.
એક ખાસ વાત. જનક બંગલોના ઉપરના બે માળ ફક્ત બીગ બી માટે છે.આ બંને માળ પર અમિતાભ બચ્ચન તેમનું મનપસંદ સંગીત સાંભળે છે.વળી,અહીં સંગીતનાં અમુક વાદ્યો પણ છે.બહુ ઓછી વ્યક્તિઓને ખબર છે કે અહીં બોલીવુડનો શહેનશાહ તેમનો મનપસંદ પિયાનો વગાડીને ભરપૂર આનંદ કરે છે.
સ્રોત : ગુજરાત સમાચાર
No comments:
Post a Comment