Thursday 30 November 2017

પદ્માવતી વિવાદ : આજે સંસદીય સમિતિ સામે ભણસાલી મૂકશે પોતાનો મત


ફિલ્મ પદ્માવતી સાથે જોડાયેલ વિવાદ હવે સંસદ સુધી પહોંચી ચૂક્યો છે. સૂચના માહિતી અને પ્રસારણ સાથે જોડાયેલી સંસદની સ્થાયી સમિતિએ ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલી અને સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોશીને બોલાવ્યા છે. બંને ગુરુવારે બપોરે સંસદીય સમિતિની સામે રજૂ થશે ને ફિલ્મને લઈનો પોતપોતાનો પક્ષ રાખશે. ભણસાલી દિલ્હી જવા માટે મુંબઈ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે, તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સંસદીય સમિતિએ પદ્માવતીના નિર્માતા તથા સૂચના અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓને પણ બોલાવ્યા છે. લોકસભા સાથે જોડાયેલી આ સ્થાયી સમિતિ ગુરુવારે જ પોતાની રિપોર્ટ સંસદને સોંપશે. ઉલ્લેખનીય છે કે, પ્રસૂન જોશી અને ભણસાલી આ મામલે ખુલીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હકીકતમાં ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદ અને વિરોધ પ્રદર્શનની વચ્ચે ભણસાલીએ કેટલાક પત્રકારોને ફિલ્મ બતાવી હતી. પત્રકારોએ પણ ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કે, આ ફિલ્મમાં કંઈ પણ આપત્તિજનક નથી. જોકે, ભણસાલીના આ પગલાથી જોશી ભડકી ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, ફિલ્મને હજી સુધી સેન્સર બોર્ડે સર્ટિફિકેટ પણ નથી આપ્યું, તો તમે તેની સ્ક્રીનિંગ કેવી રીતે કરી શકો છો.


બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરની અધ્યક્ષતાવાળી સૂચના પ્રસારણની સંસદીય સમિતિએ બોલાવવામાં આવેલા લોકોને ફિલ્મ સાથે જોડાયેલા વિવાદો પર વિસ્તારથી માહિતી આપવા કહ્યુ છે. આ સંસદીય સમિતિમાં બીજેપી સાંસદ પરેશ રાવલ અને કોંગ્રેસ સાંસદ રાજ બબ્બર સહિત કુલ 30 સદસ્યો છે. સમિતિએ પહેલા ભણસાલીને ગુરુવારે જ સંસદની વધુ એક સમિતિ પિટીશન કમિટી સામે રજૂ કરવાનું છે.

સોમવારે અનુરાગ ઠાકુરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, પેનલે ભણશાલી અને પ્રસૂન જોશીને તેમની વાત રજૂ કરવા માટે બોલાવ્યા છે. તેઓ આજે પેનલની સામે તેમની વાત રજૂ કરશે. સેન્સર બોર્ડે અત્યાર સુધી ફિલ્મને મંજૂરી આપી નથી. રાજસ્થાનમાં કરણી સેના, ભાજપ નેતા અને હિંદુવાદી સંગઠનોએ ઈતિહાસ સાથે છેડછાડ કર્યાં હોવાનો આરોપ લગાવ્યો છે. રાજપૂત કરણી સેનાનું માનવું છે કે આ ફિલ્મમાં પદ્મિની અને ખીલજી વચ્ચે ઈન્ટીમેન્ટ દ્રશ્યો ફિલ્માવવાથી તેમની ભાવનાઓને ઠેસ લાગી છે. ત્યારે ફિલ્મની રજૂઆત પહેલાં પાર્ટીના રાજપૂત પ્રતિનિધિઓને ફિલ્મ દેખાડવી જોઈએ. આવું કરવાથી રિલીઝ સમયે ફિલ્મ સહેલાયથી રજૂ થશે અને તણાવની સ્થિતિથી બચી શકાશે. તો હવે રાજસ્થાનના રાજવી કુટુંબના લોકો પણ ફિલ્મના વિરોધમાં ઉતરી આવ્યાં છે.

By : sandesh

No comments:

Post a Comment